Ya Home Karine Pado Fateh Che Aage

ya-home-karine-pado-kavi-narmad-poems-collectionસહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજિ સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.
યા હોમ .. સહુ ચલો .. યા હોમ …

સાહસે કર્યો પર્શુએ પુરો અર્જુનને,
તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઇંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.
યા હોમ .. સહુ ચલો .. યા હોમ …

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નેપોલ્યન ભિડ્યો યુરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે શિકંદર નામ અમર સહુ જાગે,
યા હોમ .. સહુ ચલો .. યા હોમ …

સાહસે જ્ઞાતિનાં બંધ, કાપિ ઝટ નાખો,
સાહસે જાઅો પરદેશ, બ્હીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જમે બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદાદેશ, દુ:ખ સહુ ભાગે.
યા હોમ .. સહુ ચલો .. યા હોમ …

 

યા હોમ કરીને પડો ફતેહ છે આગે – નર્મદ

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *