Vandhani Patnijhankhana

વાંઢાની પત્નીઝંખના

જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ; જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ, ૧

મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત; હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨

અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી; પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી, ૩

ઢેઢ ચમાર ગમાર ઘણા પણ, પરણેલા ઘરબારી; એ કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી, ૪

રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું; મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપ્નમાં નહિ દીઠું, ૫

મુખના મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામુ; દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું, ૬

વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે; અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે, ૭

ચૌટેથી ચિતમાં હરખાતો, ચાલ્યો ચાલ્યો આવે; બાળક કાલું કાલું બોલી, બાપા કહિ બોલાવે, ૮

પુત્ર પુત્રીને પરણાવે, વ્રત ઉદ્યાપન વેળા; હોમ કરે જોડે બેસીને, ભાળે જન થઈ ભેળા, ૯

અરે એવા પુરુષોએ મોટાં, પુણ્ય કર્યા હશે કેવા; મેં શાં મોટાં પાપ કર્યા હશે, મળ્યા નહી સુખ એવાં, ૧૦

મૂરખ જેવાનાં મંદિરમાં, નિરખી બે બે નારી; અરે વિધાત્રી અભાગણી, આતે શી બુધ્ધિ તારી, ૧૧

અહો મિત્ર મારા સંકટની, શી કહું વાતો ઝાઝી;
વિશ્વ વિષે પુરુષોના વૈભવ, દેખી મરૂ છું દાઝી. ૧૨

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *