વૈષ્ણવજન તો તેને રે કહીએ
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે … વૈષ્ણવજન
સમ દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે, જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે … વૈષ્ણવજન
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે … વૈષ્ણવજન
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે … વૈષ્ણવજન
– નરસિંહ મહેતા