થોડોએક તડકો
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો !
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.