Snehina Sonala

સ્નેહીનાં સોણલા

સ્નેહીનાં સોણલા આવે સાહેલડી ! ઉરના એકાન્ત મારા ભડકે બળે : હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી ! આશાની વેલ મારી ઊગી ઢળે.

ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર : ચમકે ચપળા આભમાં, એવા એવા છે પ્રિયના ચમકાર : રે સાહેલડી ! ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર : ઊને આંસુ નયનો ભીંજે, એવાં એવાં ભીંજે મારા ચીર : રે સાહેલડી ! ઉરના એકાન્ત મારા ભડકે બળે.

અવની ભરી, વન વન ભરી, ઘુમે ગાઢ અંધાર, ઝબકે મહીં ધૂણી જોગીની, એવા એવા છે પ્રિયના ઝબકાર : રે સાહેલડી ! ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર : પડે પતંગ, મહીં જલે, એવી એવી આત્માની અધીર : રે સાહેલડી ! ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચંદ્રની ધાર :
સ્નેહીનાં સંભારણા
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *