રામ રમકડું જડિયું રે
રામ રમકડું જડિયું રે, રાણાજી; મને રામ રમકડું જડિયું.
રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું; નહિ કોઈના હાથે ઘડિયું રે; મને રામ રમકડું જડિયું.
મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા; કોઈ એક વિરલાને હાથે ચડિયું રે; મને રામ રમકડું જડિયું.
સૂના શિખરના ઘાટથી ઉપર; અગમ અગોચર નામ પડિયું રે; મને રામ રમકડું જડિયું.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર; મન મારું શામળિયા સંગ જડિયું રે; મને રામ રમકડું જડિયું.
– મીરાંબાઈ