પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું, ને આપું જોને નિર્મળ જ્ઞાન રે, જનમવા મરવાનું તમારું મટાડીને ધરાવું અવિનાશીનું ધ્યાન રે … પરિપૂર્ણ.
નામરૂપને મિથ્યા જાણો ને મેલી દેજો મનની તાણાવાણ રે, આવો બેસો એકાંતમાં ને તમને, પદ આપું નિર્વાણ રે … પરિપૂર્ણ.
સદા રહો સતસંગમાં ને કરો અગમની ઓળખાણ રે, નુરત સુરતથી નિજ નામ પકડીને જેથી થાય હરિની જાણ રે … પરિપૂર્ણ.
મેલ ટળે ને વાસના ગળે, ન કરો પુરણનો અભિયાસ રે, ગંગા રે સતી એમ બોલિયાં, થાય મૂળ પ્રકૃતિનો નાશ રે … પરિપૂર્ણ.
– ગંગા સતી