Nagar Nandji Na Lal by Narsinh Mehta
નાગર નંદજીના લાલ !
રાસ રમંતા મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ
રાસ રમંતા મારી નથડી ખોવાણી…
નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા મોતી,
નથણી કારણ નિત્ય ફરું જોતી જોતી …
નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા…
નાગર નંદજીના લાલ !
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલાં ખાય…
નાગર નંદજીના લાલ !
આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર…
નાગર નંદજીના લાલ !
નથણી કારણે મેં તો ઢૂંઢ્યું છે વૃંદાવન,
નથણી આપો ને મારા તમે પ્રાણજીવન …
નાગર નંદજીના લાલ !
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર…
નાગર નંદજીના લાલ !
– નરસિંહ મહેતા