Koino Ladkavayo

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસર-વરણી દેશસેવિકા કોમલ સેજ બિછાવે
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી
મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને
નિજ ગૌરવ કેરે ગાને
જખમી જન જાગે અભિમાને

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો
અણપૂછયો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી
કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબર પૂછાવી

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી
કોઇના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી

કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં
આતમ-દીપક ઓલાયા
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં

કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો
પાસે ધૂપસળી ધરજો
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે
સહુ માતા ને ભગિની રે
ગોદ લેજો ધીરે ધીરે

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા
રે ! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી
એની રક્ષા કાજે અહરનિશ પ્રભુને પાયે પડતી
ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા
વસમાં વળામણાં દેતાં
બાથ ભીડી બે પળ લેતાં

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી
જોતી એની રૂધિર છલક્તી ગજગજ પ્હોળી છાતી
અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી

See also  Proposed For A Soldiers’ And Sailors’ Monument In Boston by James Russell Lowell

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે
કોઇના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી
લખજો: ‘ખાક પડી આંહી
કોઈના લાડકવાયાની’

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *