કે ઝઘડો લોચનમનનો…

લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો!
રસિયા તે જનનો રે!
કે ઝઘડો લોચનમનનો!
પ્રીત પ્રથમ કોણે કરી,
નંદકુંવરની સાથ? મન કહે,
‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’

નટવર નિરખ્યા નેન! તેં સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યુ મુજને, લગન લગાડી આગ!’
‘સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન’
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયુ મન.

‘ભલું કરાવ્યું મેં તને, સુંદરવરસંજોગ,
મને તજી તું નિત મળે, હું રહું દુઃખવિજોગ!’
‘વનમાં વ્હાલાજી કને, હું ય વસું છું નેન!
પણ તુંને નવ મેળવે, હું નવ ભોગવું ચેન!’

‘ચેન નથી મન ! ક્યમ તને, ભેટ્યે શ્યામશરીર?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર!’
મન કહે, ‘ધીખું હ્રદે, ધુમ પ્રગટ ત્યાં હોય.
તે તુજને લાગે રે નેન ! તેહથકી તું રોય!’

એ બેઉ આવ્યા બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
‘મન! લોચનનો પ્રાણ તું, લોચન તું મન કાય.
સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન! એ રીત,
દયા પ્રીતમ શ્રીકૃષ્ણશું બેઉ વડેથી પ્રીત.’

See also  Mating by D. H. Lawrence
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *