કળજુગમાં જતિ સતી
કળજુગમાં જતિ સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં વિશ્વાસ રે … કળજુગમાં
ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ બેયમાં ચાલશે તાણાવાણ રે, ગુરુના અવગુણ ગોતવા માંડશે ને ગાદીના ચાલશે ઘમસાણ રે … કળજુગમાં
ચેલકો બીજા ચેલા પર મોહશે ને પોતે ગુરુજી થઈને બેસે રે, ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને જ્ઞાન કે ગમ નહીં લેશ રે … કળજુગમાં
ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને બોધમાં કરશે બકવાદ રે, પેટને પોષવા ભીખીને ખાશે ને પુરુષાર્થમાં પરમાદ રે … કળજુગમાં
ધનને હરવા છળ કરશે ને નિતનવા ગોતશે લાગ રે, આસન ઉથાપી કરશે ઉતારા ને વિષયમાં એને અનુરાગ રે … કળજુગમાં
વાદવિવાદ ને ધરમકરમમાં ચૂકશે નહીં કરતા એ હાણ રે, ગંગાસતી કહે એવાથી ચેતજો કલજુગના જાણી પરમાણ રે … કળજુગમાં
– ગંગાસતી