જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ
1 જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામાસામી બેઠાં ધૂડ, કોઈ આવી વાત સૂરજની કરે, તો આગળ જઈ ચાંચ જ ધરે. અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવાં ડાહ્યાં ક્યાંથી થયા?
2 પશુ મૂઓ કો ભૂત ન થાય, અખા માણસ કેમ અવગત થાય?
3 મરતા પહેલાં જાને મરી, પછી જે રહેશે તે હરિ!
4 હરિજનને ગ્રહ શું કરે? જે ગ્રહ બાપડા પરવશ ફરે!
5 કાણો શૂક્ર ને લૂલો શનિ, બ્રહસ્પતિએ સ્ત્રાળ ખોઈ બાપડી!
6 આપોઆપમાં ઊઠી બલા, એક કહે રામ ને એક કહે અલા!
7 શ્વાન શ્વપચ ગૌબ્રાહ્મણ જોય, રામ થકી અળગો નહિ કોય!
8 આભડછેટ અંત્યજની જણી, બામણ વાણિયા કીધા ધણી!
9 ઊંચમાં રામ બમણો નથી ભર્યો અને નીચ પિંડ ઠાલો નથી કર્યો!
10 કહે અખો સહુ કો સુણો, જો આણો માયા અંતને, તો આપોપું ઓળખો, સેવો હરિ-ગુરુ-સંતને!
11 નાથ નિરંજન ગ્રંથ કરતા, અખો તે નિમિત્ત માત્ર, જેમ વાજું દીસે વાજતું, પણ વજાડે ગુણપાત્ર!
12 હું તો જેમ દારની પૂતળી, તે ચાળા કરે અપાર, પણ કાષ્ઠમાં કાંઈયે નથી, એ તો કળ ચાંપે સૂત્રધાર!
-અખા ભગત