ગુપત રસ આ જાણી લેજો
ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ! જેથી જાણવું રહે નહિ કાંઈ, ઓઘ રે આનંદના કાયમ રહે, ને સેજે સંશય બધા મટી જાય … ગુપત.
શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ, માયલું મન ફરી ઊભું ન થાય; કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ, જેથી જનમ મરણ સહેજે મટી જાય … ગુપત.
પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ, તો તો પચરંગી પાર જણાય; જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ, ભાવ કભાવ મનમાં નહિ થાય … ગુપત.
મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ, ભજન કરો ભરપૂર, ગંગા રે સતી એમ બોલિયાં રે, વરસાવો નિર્મળ નર … ગુપત.
– ગંગા સતી