એક પંખીને કંઈક

એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,

આગળપાછળ જોયા વિના,
ભૂખ-થાક-વિરહ-ઓથાર નીચે
કંઈક બબડી નાંખ્યું એણે.

સરતી સરિતાએ સાંભળી લીધું,
‘હું એને પહોંચાડી દઈશ,
રસ્તે મળી જશે કદાચને !’

ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ
બુદબુદરવે કંઈક કહેવા કરતી.

‘કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારા પર પહોંચાડીશ.’
કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…

-ઉમાશંકર જોષી