૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭

જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે ? આવ. જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે ? આવ. જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ ? આવ. આવ હે સુદિન અમ મુક્તિ તણા !

ઊગેલો જે સૂર્ય આર્ય-ગોત્રો પરે, ગાયત્રીમંત્રની શુચિ વંદનાને પામેલો જે, હોમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો; સિંધુતટ ઉપરના પાતાલ-વિલીન મહા હડપ્પા આદિ પ્રાચીન નગરોની અગાશીએ હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જેહ; કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યોના ટંકારે જાગ્રત થયો, કૈંક વાર ફેલાયેલી સર્વભક્ષી ખડ્ગજિહ્વાઓ પરે જે નર્તી રહ્યો; શક દૂણો ક્ષત્રપો ને ગુર્જરોનાં – અરબો પઠાણો તુર્ક મુઘલોનાં – રેલ્યાં પૂર, તેનાં મહાતરંગોમાં ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો; કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ અકબ્બરના ખમીર વડે જે તેજસ્વી હતો; ધૂંધળો રહેલો બે શતક જે, ધૂંધવાયો પૂરો એક શતક જે, એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે ?

ઊગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે, પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાહ્ન તારો દીપો ભવ્ય તપોદીપ્ત ! હે સુદિન મુક્તિ તણા ! રાહ જોતા હતા જેની, તે જ તું આવ્યો છે ? આવ.

– ઉમાશંકર જોશી

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *