સનમની શોધ

પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ! ઉંમર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ!

છે દુશ્મનો લાખો ભુલાવા રાહને! દુશ્મન બનાવી યાર અંજાયો, સનમ!

ગફલત મહીં હું, ઝાલિમો કાબિલ એ, જુદાઈ યારોની મઝા એને, સનમ!

જે રાહદારીમાં અમોને લૂંટતું, ઉમેદ બર આવો નહીં એની, સનમ!

તારી મદદ કોને હશે, માલૂમ નહીં, શું યારના દુશ્મન સહે યારી? સનમ!

પાંચે નમાઝે ઝૂકતાં તારે કદમ આડા ફરે છે બેખુદાઓ એ, સનમ!

છો દમબદમ ખંજર રમે તારું દિલે, કાફર તણું કાતિલ ખેંચી લે, સનમ!

તું માફ કર, દિલદાર, દેવાદાર છું, છે માફ દેવાદારને મારા,સનમ!

કાંઈ નઝરબક્ષી થવી લાઝિમ તને, ગુઝરાનનો ટુકડો ઘટે દેવો, સનમ!

પેદા થઈને ના ચુમી તારી હિના, પેદા થયો છું મોતમાં જાણે, સનમ!

શાને કસે છે મુફ્ત આ લાચારને? દાવો સુનાનો છે હમારો ના,સનમ!

પથ્થર બની પેદા થયો છું પ્હાડમાં,
છું ચાહનારો એય તુંથી છું, સનમ!

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *