નારાયણનું નામ જ લેતાં
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે; મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.
કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે; ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે … નારાયણનું નામ.
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે; ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે … નારાયણનું નામ.
ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે; તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે … નારાયણનું નામ.
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે; ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમાં, મોહન સાથે મ્હાલી રે … નારાયણનું નામ.
– નરસિંહ મહેતા