નથી હોતી
હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી, નિહાળું છું હું એક તસવીર ને રેખા નથી હોતી! જીવન પુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે? બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી. ઘણી બેચેન ગાળું છું હું તુજ ઈતબારની ઘડીઓ, પ્રણય પણ ક્યાં રહે છે જે પળે શંકા નથી હોતી. એ મંઝિલ ક્યારની ગૂજરી ગઈ, બેધ્યાન હમરાહી! હવે ખેંચાણના કારણમાં સુંદરતા નથી હોતી. તમારી યાદના રંગીન વનની મ્હેંકના સોગંદ, બહાર આવે છે ઉપવનમાં છતાં શોભા નથી હોતી. પ્રભુનું પાત્ર કલ્પી લઈને હું આગળ વધારું છું, વિકસવાની જગા જો મુજ કહાનીમાં નથી હોતી.
કરી સંહારનું સાધન હું અજમાવી લઉં એને, કદી સર્જનની શક્તિ માંહે જો શ્રધ્ધા નથી હોતી.
-હરીન્દ્ર દવે