જશોદા તારા કાનુડાને

ગોપીઃ જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે; આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા.

શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે, માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે, મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે, નિત ઊઠીને કેટલું સહીએ, રહેવું નગર મોઝાર રે … જશોદા.

જશોદાઃ આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે; ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે … જશોદા.

મારો કાનજી ઘરમાં સૂતો, ક્યારે દીઠો બ્હાર રે, દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલે સહુ આવી, ટોળી વળી દસ-બાર રે, નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા.

– નરસિંહ મહેતા

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *